રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી ૮૫૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જે પ્રાથમિક શાળાઓમાં ૧૦૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓને બંધ કરી નજીકની અન્ય સ્કૂલમાં ભેળવી દેવા માટેની કવાયત હાથ ધરાઈ છે. આ માટે હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી ૭ જૂનના રોજ આ મુ્દ્દે મિટીંગ પણ મળનારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો સરકાર દ્વારા શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે તો ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નજીકના અન્ય ગામમાં જવાની ફરજ પડશે અને તેના લીધે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ વધવાની શક્યતા વર્તાઈ રહી છે.
રાજ્યમાં ૩૪ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓ પૈકી કેટલીક શાળાઓ એવી છે કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેથી આવી શાળાઓ ચલાવવી સરકાર માટે મુશ્કેલ બની રહી છે. જેથી સરકાર દ્વારા જે શાળાઓની સંખ્યા ૧૦૦ કરતા ઓછી હોય તેવી શાળાઓને બંધ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે તમામ જિલ્લામાં હાલમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લામાંથી ૧૦૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓની માહિતી મંગાવાઈ છે.
સરકાર દ્વારા આ શાળાઓને બંધ કરી નજીકની શાળાઓમાં વિદ્યાર્થીઓને સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ ચલાવવામાં સરકારને આર્થિક બોજો પણ પડતો હોઈ આવી શાળાઓને બંધ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલમાં સાડા આઠ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓએ છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦ કરતા પણ ઓછી છે. જેથી આવી શાળાઓ નવા સત્રથી બંધ થાય તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૦૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓની તમામ માહિતી આવી ગયા બાદ સંભવત સાત જૂનના રોજ શિક્ષણમંત્રી આ મુદ્દે બેઠક યોજશે અને તે બેઠકમાં શાળાઓ બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
જોકે શાળાઓ બંધ કરતા પહેલા નજીકમાં આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓને સમાવવામાં આવશે. જો બંધ કરવામાં આવનારી શાળાની નજીકની શાળા પાંચ કિ.મી. કરતા વધુ દૂર હશે તો કદાચ આવી શાળાઓને બંધ નહીં કરવા માટે પણ નિર્ણય લેવાય. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં ૧૦૦ કરતા ઓછા વિદ્યાર્થી હોય તેવી શાળાઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેનો ડેટા આવ્યા બાદ આગળ શુ કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેવાશે.
No comments:
Post a Comment