Sunday, 13 April 2014

કોલેજ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જમા રાખી શકે નહીઃ ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

સી.યુ.શાહ મેડિકલ કોલેજ, રાજકોટ દ્વારા  કોર્સના એક વિદ્યાર્થીને તેના અસલ પ્રમાણપત્રો પરત નહી કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતો મહત્વનો ચુકાદો આપ્યો છે કે, વિદ્યાર્થીને અધવચ્ચે અભ્યાસ છોડવો હોય તો કોલેજ અસલ પ્રમાણપત્રો કે દસ્તાવેજો પોતાની પાસે જમા રાખી શકે નહી. વળી, જો કોલેજના નિયમ કે જોગવાઇમાં એવી કોઇ વ્યવસ્થા ના હોય તો તેવા કિસ્સામાં પણ કોલેજને આ પ્રકારે અસલ દસ્તાવેજો કે પ્રમાણપત્રો જમા રાખવાની કોઇ સત્તા નથી.

જસ્ટિસ અભિલાષાકુમારીએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં વિદ્યાર્થી જયારે અધવચ્ચે સ્વેચ્છાએ અભ્યાસ છોડી રહ્યો હોય અને તેણે કોઇ બોન્ડ સાઇન કર્યા નથી કે, બેંકે ગેરેંટી આપી નથી ત્યારે તેવા સંજોગોમાં પણ કોલેજનો અસલ દસ્તાવેજો પાછા નહી આપવાનો નિર્ણય કાયદામાં ટકવાને પાત્ર નથી. કોલેજ સત્તાવાળાઓનો અસલ દસ્તાવેજો જમા રાખવાનો આગ્રહ કાયદાકીય દ્રષ્ટિકોણથી પણ અયોગ્ય કહેવાય. હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીને તેના અસલ દસ્તાવેજો અને પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે પાછા આપી દેવા સી.યુ.શાહ મેડિકલ કોલેજને આદેશ કર્યો હતો.

અરજદાર વિદ્યાર્થી તરફથી કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં-૧૮૦૮૨/૨૦૧૩માં એડવોકેટ શાર્વિલ પી.મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર તા. ૨૫-૮-૧૩ના રોજ માસ્ટર ઓફ ઇ એન્ડ ટીના પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં એનરોલ થયા હતા અને તેને સી.યુ.શાહ મેડિકલ કોલેજ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે તેમાં પ્રવેશ અપાયો હતો. પ્રવેશ મેળવતી વખતે અરજદારે તેના અસલ દસ્તાવેજો અને પ્રમાણપત્રો કોલેજ સત્તાવાળાઓને આપ્યા હતા અને સૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪ માટેની પાંચ લાખ રૃપિયા ફી પણ ચૂકવી હતી. ચાલુ અભ્યાસ દરમ્યાન અરજદારને એવી ચોંકાવનારી હકીકત માલૂમ પડી હતી કે, તે જે બેઠક-કોર્સ કે જેમાં તે અભ્યાસ કરી રહ્યો છે તે મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કરાયો નથી. આ હકીકત જાણી અરજદારને જોરદાર આઘાત લાગ્યો હતો અને તેણે તેના ડિપાર્ટમેન્ટના વડા તેમ જ ડીને તા.૨૮-૧૦-૧૩ના રોજ પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કાઉન્સેલિંગની પ્રક્રિયા દરમ્યાન તેને ઉપરોકત હકીકતથી વાકેફ કર્યો ન હતો કે તેને જે પ્રવેશ અપાય છે તે બેઠક એમસીઆઇ દ્વારા માન્ય નથી.

અરજદારે તેનો પ્રવેશ રદ ગણી તેના અસલ દસ્તાવેજો અને પ્રમાણપત્રો તેમ જ ફી પરત માંગ્યા હતા. એટલું જ નહી, અરજદારે મણિપાલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષા આપતાં તેને તા.૧૩-૩-૧૪ના રોજ કાઉન્સેલિંગ માટે બોલાવાયો હતો પરંતુ કોલેજ તરફથી તેના અસલ પ્રમાણપત્રો પાછા ન અપાય તો કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ જ ના લઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ એવા કાયદાકીય મુદ્દા ઉપસ્થિત થયા હતા કે, શું કોલેજને આ પ્રકારે અસલ દસ્તાવેજો જમા રાખવાની સત્તા છે?, કોલેજ પાસે વિદ્યાર્થી અભ્યાસ છોડે તો બાકીના સત્રની ફી જમા લેવાની સત્તા હોઇ શકે કે કેમ તે સહિતના કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાને લઇ જસ્ટિસ અભિલાષાકુમારીએ ઉપરમુજબ મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.

No comments:

Post a Comment